Wednesday, July 2, 2014

Gujarati Navalkatha - પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું.

મને બચાવવાનો એક જ રસ્તો છે, મારી સાથે લગ્ન કરી તમારા દેશમાં બોલાવી લો! હું તમને બોજારૂપ નહીં બની રહું. તમે મારી કાયાની સાથે-સાથે મારા કલદારનો પણ ભોગવટો માણી શકશો.

ત્રીસ વરસનો વરદાન વસાવડા નવરાશની પળોમાં લેપટોપ સાથે સંવનન કરતો બેઠો હતો, ઇન્ટરનેટ ઉપર એક મેઇલ વાંચીને એ ચમક્યો: ‘મારું નામ શર્લી.’ હું સેનેગલ નામના દેશમાં જન્મેલી એક કમનસીબ યુવતી છું. કુંવારી છું. મારી ઉંમર ચોવીસ વરસ છે. મારી દાસ્તાન બહુ કરુણ છે.

વરદાનને રસ પડ્યો. આ દેશમાં જુવાન છોકરીઓની કરુણકથામાં રસ ધરાવતા લાગણીશીલ યુવાનોની કમી નથી. શર્લી આગળ લખતી હતી: ‘જો તમને જગતની ગતિવિધિઓ જાણવાનો શોખ હશે તો તમને એ વાતની ખબર હશે જ કે સેનેગલમાં અત્યારે ભયંકર ઊથલપાથલ ચાલી રહી છે. આખો દેશ સિવિલ વોરમાં સપડાઇ ચૂકયો છે. બે અલગ-અલગ કોમો વચ્ચે ભયાનક ખૂનામરકી જામેલી છે.’

વરદાનને યાદ આવ્યું, થોડાક સમય પહેલાં એણે અંગ્રેજી અખબારમાં સેનેગલના આંતરવિગ્રહ વિશે આવું કશુંક વાંચ્યું હતું ખરું, પણ સેનેગલ અમેરિકા, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેટલો દેશ ન હોવાને કારણે અને ત્યાં ભારતીય વસાહતીઓની સંખ્યા ઝાઝી નહીં હોવાને કારણે એણે એ સમાચારો પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું ન હતું, પણ એ તો અંગ્રેજી અખબાર હતું, જ્યારે અહીં તો શર્લી જેવી ખૂબસૂરત અને ગરમા-ગરમ યુવતી ખુદ એની આપવીતી પીરસી રહી હતી. પછી તો ધ્યાન આપવું જ પડે ને, ભાઇ!

કુમારી શર્લી લખતી હતી: ‘હાલમાં હું રાહત છાવણીમાં જીવી રહી છું. મારા પપ્પા સેનેગલ ગવર્નમેન્ટના ઉચ્ચ સ્તરના સચિવ હતા. અમે વર્ણવી ન શકાય એવી સમૃદ્ધિમાં જીવતા હતા. પપ્પા ખૂબ ધન કમાયા હતા. એક દિવસ અચાનક ઝનૂની તોફાનીઓનું એક મોટું ધાડું અમારા મહેલ જેવડા મકાન ઉપર ધસી આવ્યું. પપ્પા કોઇને ફોન કરે તે પહેલાં જ આક્રમણખોરોએ એમની હત્યા કરી નાખી. પછી તો હત્યારાઓએ મારી મા, બહેન અને બે ભાઇઓને પણ મારી નાખ્યા. હું તે સમયે બંગલાની પાછળના મેદાનમાં ‘જોગિંગ’ કરતી હતી, એટલે બચી ગઇ. બંગલામાં લૂંટફાટ કરીને તોફાનીઓ નાસી ગયા. હું જ્યારે પાછલા બારણેથી ઘરમાં પ્રવેશી ત્યારે…’

શર્લીએ ત્યારે શું જોયું એ એણે તો લખ્યું જ હતું, પણ ન લખ્યું હોત તોયે વરદાન સમજી શક્યો હોત. લૂંટાઇ ગયેલું ઘર અને ફૂટી ગયેલું તકદીર. લોહીના ખાબોચિયા અને લાશોનો સમૂહ. ઓરડામાં ઘૂમરાતી દહેશતની હવા અને ગમે તે ઘડીએ બીજો હુમલો થવાની આશંકા.

શર્લી શું કહેતી હતી? વાંચો: ‘આટલો ઓછો સમય મળ્યો હતો, તો પણ મારી બહેનની લાશ નિર્વસ્ત્ર હતી. સ્પષ્ટ હતું કે એની હત્યા કરતાં પહેલાં એની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હું ફફડી ઊઠી. દોડીને પોલીસ સ્ટેશને જઇ પહોંચી. ત્યાં પણ મને સલામતી ન લાગી. સરકારે મને રાહત છાવણીમાં મોકલી આપી. અહીં મારા જેવી અસંખ્ય છોકરીઓ જોવા મળે છે. એ બધીઓની દાસ્તાન મારા જેવી જ છે. અમે ભયંકર ઓથાર હેઠળ દિવસો પસાર કરીએ છીએ.

અમારી રક્ષા કરવા માટે તૈનાત કરાયેલા સંત્રીઓ પણ અમારી તરફ વાસનાભરી નજરે જોઇ રહ્યા છે. સ્નાન કરવા માટે અહીં કંતાનની દીવાલો ઊભી કરીને કામચલાઉ બાથરૂમ બનાવવામાં આવ્યા છે, પણ અમને ડર લાગે છે. ત્યાં સ્નાન માટે ગયેલી ચાર છોકરીઓ ચોકિયાતોના હાથે બંદૂકની અણીએ પીંખાઇ ગઇ છે. હું વિશ્વભરના પુરુષોને હૃદયપૂર્વક અરજ કરું છું કે અમને આ નરકમાંથી છોડાવો…’

વરદાને ત્યારે ને ત્યારે જ ઇ-મેઇલ મોકલી આપ્યો: ‘બીજી બધી છોકરીઓની વાત પછી, પહેલાં તને છોડાવવા માટે શું કરી શકાય એ બતાવ.’એક કલાક પછી શર્લીનો જવાબ આવ્યો: ‘તમારી લાગણી માટે આભારી છું. આ નર્કમાંથી મને બચાવવાનો એક જ રસ્તો છે, મારી સાથે લગ્ન કરી લો! મને પત્ની બનાવીને તમારા દેશમાં બોલાવી લો! હું તમને બોજારૂપ નહીં બની રહું. મારા પપ્પા અત્યંત ધનાઢ્ય હતા. બેંક ઓફ કુવૈતની ઇંગ્લેન્ડની શાખામાં એમના પંચોતેર લાખ પાઉન્ડ જમા બોલે છે. કાયદેસર હું એમની તમામ સંપત્તિની એકમાત્ર વારસદાર છું. તમે મારી કાયાની સાથે-સાથે આ કલદારનો પણ ભોગવટો માણી શકશો.’
વરદાને જોયું કે શર્લીએ એના ફોટોગ્રાફ્સ પણ સ્ક્રીન ઉપર મોકલ્યા હતા. શર્લી શ્યામવણીઁ હતી, પણ એની દેહસમૃદ્ધિ ફાટફાટ જણાતી હતી. ઉપરથી પંચોતેર લાખ પાઉન્ડનો માલિકી હક્ક?!

કંચન અને કામિનીના બેવડા મોહપાશમાં બંધાઇ જવાનું કોને ન ગમે? પણ વરદાન વસાવડા જરાક જુદી માટીનો પુરુષ હતો. બત્રીસમા વરસ સુધી એ સ્વેચ્છાએ કુંવારો રહ્યો હતો. માત્ર પરણવા ખાતર પરણી નાખવું એ એનું ધ્યેય ન હતું. આજે પહેલી વાર એને લાગ્યું લગ્ન કરવા માટે એ ઇચ્છતો હતો એવું મજબૂત કારણ એને મળી ગયું હતું. પરાજિત રાજાના કેદખાનામાં પુરાયેલી રાજકુંવરીઓને છોડાવવા શ્રીકૃષ્ણનો આદર્શ વરદાનમાં જાગ્રત થઇ ઊઠ્યો. એણે લખી મોકલ્યું: ‘શર્લી, ડોન્ટ વરી. હું તારી સાથે લગ્ન કરીશ. મારા મિત્રોને સમજાવીશ, તેઓ પણ તારી છાવણીમાં જીવતી યુવતીઓને…’

હવે લાખ રૂપિયાનો પ્રશ્ન સામે આવતો હતો: ‘આ બધું પાર શી રીતે પાડવું? લંકાની લાડી ને ઘોઘાનો વર. સેનેગલની શર્લી અને અમદાવાદના વાડજનો વરદાન.’ ઉપાય શર્લીએ બતાવ્યો: ‘તમે દિલ્હી જઇને અમારા હાઇકમશિ્નરને મળો. પછી મને ઇન્ડિયામાં બોલાવવા માટેની વિધિ પાર પાડો. મારી પાસે તો પાસપોર્ટ-વિઝા કઢાવવા જેટલાયે પૈસા નથી. એના માટેના એક હજાર પાઉન્ડ તમારે જ મોકલવા પડશે. હું ત્યાં આવું એટલે પછી તરત આપણું લગ્ન અને પછી બ્રિટનની બેંકમાં પડેલા પંચોતેર લાખ પાઉન્ડ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર! આપણે હનિમૂન માટે ક્યાં જઇશું, ડિયર?’ વરદાનને યાદ આવી ગયું, આવી રીતે છેતરપિંડીઓ આજ-કાલ બહુ ચાલે છે.

એણે સેનેગલની એમ્બેસીમાં ફોન કર્યો. પછી સેનેગલમાં ભારતીય દૂતાવાસમાં પૂછપરછ કરી. બંને ઠેકાણેથી માહિતી આવી ગઇ, ‘સેનેગલમાં અત્યારે આંતરવિગ્રહ ચાલે છે એ વાત સાવ સાચી છે. અનેક છોકરીઓ રાહત છાવણીમાં આશરો લઇને બેઠી છે. બળાત્કારો એ અહીંની રોજિંદી ઘટના બની ગઇ છે. અને જો કોઇ વિદેશી યુવક લગ્નના નિમિત્તે આવી યુવતીને અહીંથી છોડાવી શકે તો એ ખરેખર પુણ્યનું કામ ગણાશે.’
વરદાને નક્કી તો કરી જ નાખ્યું કે શર્લીને શ્રીમતી વસાવડા બનાવી જ દેવી છે, પણ હજુ એના મનમાં થોડી-ઘણી શંકા રહી જતી હતી કે આ શર્લી પોતાને ક્યાંક ‘બનાવી’ ન જાય! એક હજાર પાઉન્ડ એટલે આશરે પોણા લાખ રૂપિયાનો મામલો હતો, ભાઇ! આ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો આપોઆપ અને અનાયાસ વરદાનની સામે આવી ગયો.

ગ્રેટ બ્રિટનના એક મોટા ગજાના રાજદ્વારી મિ. ગ્રેહામ ડલ્લાસનો ઇ-મેઇલ આવ્યો: ‘મિ. વસાવડા! વ્હોટ આર યુ ડુઇંગ? તમને ભાન છે કે આટલું મોડું કરીને તમે શર્લીનો જાન જોખમમાં મૂકી રહ્યા છો? તમને વિશ્વાસ ન પડતો હોય તો એકવાર જાતે સેનેગલ જઇને તપાસ કરી આવો! હું તમને વિશ્વાસ અપાવું છું કે એ છોકરી સાચે જ તમને પરણવા માગે છે. અમારા દેશમાં એના પિતાના બેંક ખાતામાં ખરેખર પોણો કરોડ પાઉન્ડ જમા થયેલા છે. હું એક અધિકૃત ઉચ્ચ અફસર તમને આ બધું જણાવી રહ્યો છું. હું બ્રિટન તરફથી ઇન્ડિયા ખાતે નિમાયેલો હાઇકમશિ્નર ખુદ, જાતે, પોતે છું. હવે તો તમારી ચીકણાશ છોડો!’

વરદાને ઇ-મેઇલ કર્યો, ‘મને પંચોતેર લાખ પાઉન્ડની લાલચ નથી, સર, મને તો મારા પંચોતેર હજારની ફિકર છે. એટલે જ આ બધું પૂછવું પડે છે.’મિ. ડલ્લાસ બગડ્યા: ‘એમ વાત છે? સારું, તો પછી આવતા અઠવાડિયે હું ઇન્ડિયા આવી રહ્યો છું. શર્લીના પિતાના પંચોતેર લાખ પાઉન્ડ સાથે લઇને આવું છું. બેંક સાથે હું સમજી લઇશ. તમે મુંબઇ આવી શકશો?

નહીંતર હું અમદાવાદ આવી જઇશ. સેનેગલની શર્લીની જિંદગી બચાવવા ખાતર અમદાવાદી યુવાન ભલે ઘરની બહાર ન નીકળી શકે, પણ બ્રિટનનો રાજદૂત છેક ગુજરાત સુધી લાંબો થઇ શકે છે. અને હા, એક વાત યાદ રહે, શર્લીના પૈસા તમારા ખાતામાં તબદીલ કરવા માટે અહીંની બેંકને તમારે સાતસો પાઉન્ડ ટ્રાન્સફર મની પેટે આપવાના રહેશે. એ રકમ તૈયાર રાખજો!’

વરદાન હવે માની ગયો, પણ આખરે ગુજરાતી ખરો ને! છેલ્લે સળી કર્યા વગર એ ન રહ્યો: ‘મિ. ડલ્લાસ, મારે આપનું ઓળખપત્ર જોવું છે. મોકલી આપશો?’ અંગ્રેજ બચ્ચો ફરી પાછો બગડ્યો, ‘તમને ભાન છે કે તમે કોનું અપમાન કરી રહ્યા છો? જવા દો, તમારા જેવું કોણ થાય? મારું આઇ-કાર્ડ સ્કેન કરીને મોકલું છું. આંખો ફાડીને વાંચી લેજો!’

વરદાને આઇ-કાર્ડ વાંચી લીધું, સૂંઘી લીધું, ચાખી લીધું. પછી બ્રિટનના કોન્સ્યુલેટમાં તપાસ કરી. પાછો મિ. ડલ્લાસને મેઇલ મોકલ્યો: ‘બ્રિટનના હાઇકમશિ્નરોની વિશ્વભરની યાદીમાં તમારું નામ કેમ નથી?’
મિ. ડલ્લાસ હસ્યા, ‘અરે, મૂર્ખ! તને એટલું પણ જ્ઞાન નથી કે અમારી સરકાર હમણાં જ બદલાઇ ગઇ છે? નવી સરકારે મારી નવી નિમણુંક તો કરી દીધી છે, પણ વિશ્વભરના કોન્સ્યુલેટોમાં નવા રાજદૂતોની યાદી મોકલવાની હજુ બાકી છે. મારું આઇ-કાર્ડ તને ઓછું પડે છે?’

વરદાન મૂંઝાઇ ગયો. શું કરવું? એક બાજુ શર્લીનું તન હતું, બીજી તરફ બેંકમાં પડેલું એના બાપનું ધન હતું અને ત્રીજી તરફ અમદાવાદી માણસનું શંકાશીલ મન હતું. દાળમાં કોકમ સિવાય બીજું જે કંઇ કાળું દેખાય એની ખાતરી તો કરી લેવી પડે ને? છેવટના ઘા તરીકે વરદાને ઇંગ્લેન્ડના વિદેશ મંત્રાલયને ઇ-મેઇલ મોકલ્યો.

જવાબ સાંભળીને એ છળી પડ્યો. ઇંગ્લેન્ડનું વિદેશ ખાતું જણાવતું હતું: ‘મિ. ગ્રેહામ ડલ્લાસ અમારા દેશનો એક જાણીતો ચીટર છે. અત્યાર સુધીમાં એ અસંખ્ય દેશોમાં અનેક પુરુષોને છેતરી ચૂકયો છે. શર્લી જેવી બે-બસ છોકરીઓની કપોળકલ્પિત કથાઓ ઉપજાવી કાઢીને અને ગુમનામ મોડલોની તસવીરો મોકલીને એ કુંવારા યુવાનોની લાગણી ઉત્તેજિત કરે છે અને પછી તગડી રકમ ખંખેરી લે છે. ઇન્ટરપોલને એની તલાશ છે. તમે એવા પહેલા યુવાન છો જે બચી ગયા. તમને હાર્દિક અભિનંદન!’

વરદાને છેલ્લો ઇ-મેઇલ મોકલી આપ્યો: ‘તમારા અભિનંદન બદલ આભાર! તમારી એક ભૂલ સુધારું? હું છેતરાવામાંથી બચી ગયો કારણ કે હું ફક્ત યુવાન નથી, પણ હું ગુજરાતનો શિક્ષિત યુવાન છું. જય હો!

(સાવ સાચી ઘટના)
લેખક : ડો. શરદ ઠાકર


No comments: