Wednesday, July 2, 2014

Gujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?

‘આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ સમજાઇ રહ્યું છે!’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વર્ષો ખરી પડ્યાં.

એક જ જવાબ દે, મારો એક જ સવાલ છે
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે?


સાંજના સાડા સાત થવા આવ્યા હતા. શહેરથી દૂર આવેલા એક જમાના જૂના બગીચાના ઝાંપા આગળ એક સિત્તેર વર્ષની વૃદ્ધા આવીને ઊભી રહી. રિક્ષાવાળો ગયો, એ પછી એ બગીચામાં દાખલ થઇ. ‘પચાસ વરસ પૂરાં થઇ ગયાં!’ એ બબડતી હતી : ‘આજના દિવસે આ જ સમયે એણે મને મળવાનો વાયદો કર્યો હતો.’ 

આવું સ્વગત બોલતી એ વૃદ્ધા સીધી બગીચાના છેવાડે આવેલા ‘લવ લીમડા’ આગળ જઇ પહોંચી. ‘લવ લીમડો’ આમ તો બીજા લીમડાઓ જેવો એક સીધો-સાદો લીમડો જ હતો, પણ દાયકાઓથી આ ઝાડ એના થડને અઢેલીને બેઠેલાં સેંકડો-હજારો પ્રેમીપંખીડાંની પ્રણયકેલીનું સાક્ષી રહ્યું હતું.
અત્યારે પણ એને ફરતે વીંટાયેલા ગોળ ઓટલા ઉપર બે-ત્રણ કબૂતર-જોડી ‘ગટર-ગૂં’ કરતી બેઠેલી હતી. ડોશીને આવેલી ભાળીને બાપડા કબૂતરો ઊભાં થઇ ગયાં! ચલ ઊડ જા રે પંછી, કે અબ યે પેડ હુઆ બેગાના..!

અને એમણે જે કર્યું એ સારું જ કર્યું, કારણ કે પેલી વૃદ્ધાએ તો ઓટલા ઉપર બાકાયદા બેઠક જમાવી દીધી. અધૂરામાં પૂરું બે જ મિનિટ પછી ત્યાં બીજી એક ડોશી પણ આવી પહોંચી. પાંચ મિનિટ બાદ ત્રીજી, ચોથી… પાંચમી… છઠ્ઠી અને સાતમી..! સાતેયની ઉંમર પાંસઠ-સિત્તેરથી વધારે દેખાતી હતી. બધી જ રંગરૂપે ગોરી હતી. દરેક ખંડેર જાણે કહેતું હતું કે ‘કભી ઇમારત બુલંદ થી’!

‘ઠંડી સારી એવી પડવા માંડી છે, નહીં? સગુણાદેવીએ સાડલા ફરતે મોંથી કાશ્મીરી ‘શાલ’ વીંટાળતા વાતની શરૂઆત કરી.

‘હા, કોઇને આપેલું વચન નિભાવવાની વાત ન હોત, તો આવી ઠંડીમાં, આવા સમયે ઘરની બહાર નીકળવાનું સાહસ હું ક્યારેય ન કરું!’ સૌથી પહેલાં બગીચામાં પ્રવેશ કરનાર અરુંધતી દેવીએ દાંત કકડાવતા 

‘કોમેન્ટ’ કરી. ‘વચન? અને આ ઉંમરે? શાનું વચન?’ અગિયાર લાખની ગાડીમાં બેસીને પધારેલાં અંજનાબહેને પૂછ્યું.

અરુંધતીદેવીના રૂપાળા ચહેરા પરની કરચલીઓમાં ગુલાબી શેરડા ઊપસી આવ્યા, ‘અડધી સદી પહેલાંની વાતો છે બધી! ત્યારે હું વીસ વર્ષની હતી. તમે કલ્પના કરી શકો છો કે જો અત્યારે હું આવી હોઉં, તો ત્યારે કેવી હોઇશ! મને ચાહનારાઓની ખોટ ન હતી.

પણ એમાં એક પુરુષ મારો સાચો પ્રેમી હતો. અદ્ભુત હતો એ! અમે બે વર્ષ સાથે હર્યા, ફર્યા, પ્રેમ કર્યો, ખૂબ મજા માણી. શરીરની લક્ષ્મણરેખાઓ તો ભાંગીને ભૂક્કો કરી નાખી. પણ અફસોસ! અચાનક એને મુંબઇ જવાનું થયું. પછી અમે ક્યારેય મળી ન શક્યાં.’

‘લગ્ન?’ નીલાક્ષીબહેને બાકીની બધી જ સ્ત્રીઓના મનમાં રચી રહેલો સવાલ હોઠ ઉપર લાવી દીધો.
‘એ મુંબઇથી પાછો ફરે એ પહેલાં તો મારા માવતરે મને બીજા મુરતિયા સાથે પરણાવી દીધી. પણ છૂટાં પડતાં પહેલાં છેલ્લી વાર અમે આ જ સ્થળે મળેલાં! આ વૃક્ષ અમારું કાયમી મિલનસ્થળ હતું. એને કદાચ ભાવિની ગંધ આવી ગઇ હશે. એટલે જ એણે મારી પાસે વચન માગેલું, જ્યારે દેહ ક્ષીણ થઇ જાય, સેક્સનું મૃત્યુ થઇ જાય, સંસારમાંથી પરવારી જવાય, ત્યાર પછી એક વખત મને મળવા માટે તું આ લીમડા નીચે આવીશ!

મેં એને વચન આપ્યું હતું, એટલે હું આજે આવી છું. મને ખબર નથી કે અત્યારે એ ક્યાં હશે, કદાચ જીવતો હશે કે પછી… ન પણ હોય! પણ મને એ વાતનો ગર્વ છે કે હું તો આ ઉંમરે પણ એણે કહેલી તારીખે અને સમયે, માત્ર અમારા પ્રેમને ખાતર આજે…’

‘એ તો કંઇ ન કહેવાય!’ નીલાક્ષીબહેને મોં મચકોડ્યું, ‘ખરું વચન-પાલન તો મેં કર્યું છે! કારણ કે મને તો ખબર છે કે મારો પ્રેમી અત્યારે આ દુનિયામાં હયાત નથી. જ્યારે હું કુંવારી હતી અને એની નિશાનીને મારા દેહમાં ઉછેરવાની શરૂઆત હતી, ત્યાં જ અમારે છૂટાં પડવાનું બન્યું.

એની આંખમાં મજબૂરી હતી, મારી આંખોમાં આંસુ. એ અમેરિકા જઇ રહ્યો હતો. બીજે દિવસે એનું વિમાન તૂટી પડ્યું! પણ એને હું ભૂલી શકી નથી. કે નથી ભૂલી મેં આપેલા વચનને! આજના દિવસે, આ સમયે, આ જ બગીચામાં અમે મળવાનાં હતાં. હું તો આવી ચૂકી છું અને મને વિશ્વાસ છે કે એ પણ આવશે, ભલે વ્યક્ત સ્વરૂપે નહીં તો અવ્યક્ત રૂપમાં… પણ એ આવશે જરૂર..! અમારો પ્રેમ સાચો હતો.’

‘ઊહ..!’ સગુણાબહેને છણકો કર્યો, ‘પ્રેમ સાચો તો બધાંનો હોય છે, પણ શ્રેષ્ઠ પ્રેમ તો મેં માણ્યો છે. મારો પ્રેમી દુનિયાના તમામ પુરુષો કરતાં વધુ સોહામણો અને વધુ રોમેન્ટિક હતો. એની સાથે મને જે સંતોષ મળ્યો છે, એવો તો મારા પતિ પાસેથી પણ ક્યારેય નથી મળ્યો!’

‘તો પછી તમે એને જ તમારો પતિ શા માટે ન બનાવ્યો?’ ગીતાબહેને પૂછ્યું.

‘એના હાથ બંધાયેલા હતા. બાકી હું ના પાડું? એનો બાપ મરણપથારીએ હતો અને એણે મારા પ્રેમી પાસે પાણી મુકાવ્યું : ‘હું કહું એ છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ, તો જ મારો જીવ સદ્ગતિ પામશે.’ બિચારો શું કરી શકે? છેલ્લે આજથી ચાલીસ વર્ષ પહેલાં અમે છૂટાં પડ્યાં, ત્યારે આ જ લીમડા હેઠળ.

‘સમજી ગઇ! આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ હવે મને સમજાઇ રહ્યું છે!’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વધારાનાં વર્ષો ખરી પડ્યાં. એ પચીસનાં થઇ ગયાં.

‘મારા કિસ્સામાં તો મારા પિતા જ વિલન બન્યા હતા. મારો પ્રેમી તો લગ્ન માટે પણ તૈયાર હતો. હું એને જાણતી હતી એટલે તો એને મારું શરીર..! પણ એ સાવ મુફલિસ હતો, જ્યારે હું ખૂબ જ પૈસાદાર બાપની દીકરી હતી! પછી તો એ પણ ખૂબ કમાયો. પણ ત્યાં સુધીમાં તો બાજી ખેદાન-મેદાન થઇ ચૂકી હતી! છેલ્લે…’
‘બસ! બસ! છેલ્લા દ્રશ્યની વાત કરવી રહેવા દો! આપણા બધામાં એક વાત ‘કોમન’ છે. પ્રેમીઓ જુદા, છૂટા પડવાનાં કારણો જુદાં, પરંતુ દરેકની કથાનું અંતિમ દ્રશ્ય એકસરખું જ! લવ લીમડાની સાક્ષીએ, જિંદગીની પાનખરમાં એક ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે આ સ્થળે મળવાનું વચન આપવું અને લેવું! બહુ વિચિત્ર લાગે છે!’

સરસ્વતીદેવીના મોં ઉપર આશ્ચર્ય હતું. એમનાં વાક્યો કહી આપતાં હતાં કે આજથી ત્રીસ, ચાલીસ કે પચાસ વરસ પહેલાં એમના જીવનમાં પણ એક પુરુષ આવ્યો હતો, જે નિ:શંકપણે દુનિયાના તમામ પ્રેમીઓ કરતાં શ્રેષ્ઠ હશે, સોહામણો હશે અને સૌથી વધારે રોમેન્ટિક હશે.

એક પછી એક વિશ્રંભકથાઓનાં ખાનગી પ્રકરણો ખૂલી રહ્યાં હતાં અને સમયનો કાંટો આઠના આંકડા તરફ ખસી રહ્યો હતો. અંધારું પૃથ્વીને આશ્લેષમાં લઇ રહ્યું હતું. દૂર-દૂરથી કૂતરાં ભસવાના અવાજો આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં બગીચાનો ચોકીદાર ચાર-પાંચ વાર ચક્કર મારી ગયો હતો.

એ જ્યારે નજીક આવ્યો ત્યારે વીસ-પચીસ વર્ષની સાતેય મુગ્ધાઓ એટલી વાર પૂરતી પુન:વૃદ્ધા બની જતી હતી! ચોકીદારને તો કંઇ કહી શકાય નહીં, પણ ખલેલ પાડનારાં બીજાં પરિબળોને તેઓ ધમકાવી નાખતી હતી.

એક ચાવાળો, એક ચણાજોરગરમના ખૂમચાવાળો, બે-ચાર પ્રેમીયુગલો, બે-ચાર ગુંડાઓ, જે જે લોકોએ ‘લવ લીમડા’ તરફ કુદ્રષ્ટિ કરવાની કોશિશ કરી, એ બધાને તગેડી મૂકવામાં આવ્યા.

સામેના ટાવરમાં આઠના ટકોરા પડ્યા. એ સાથે જ સાતેય પ્રેમિકાઓ ટટ્ટાર થઇ ગઇ. દરેકને એના પ્રેમીના આગમનની તીવ્રતમ પ્રતીક્ષા હતી. શું થશે? એ આવશે? બધા એકસાથે ભેગા તો નહીં થઇ જાય ને? એ વખતે કોઇ ત્રાહિત વ્યક્તિ ક્યાંકથી આવી ચડશે તો શું થશે?

‘ઐ…માઇ.., કોઇ ભિખારીને પાઇ-પૈસો આલશો… માઇ-બાપ..? તંઇણ દા’ડાથી ખાધું નથી. ભગવાન તમારું ભલું કરશે…’ કરતોક ને ક્યાંકથી એક ભિખારી ચડી આવ્યો. સાતેય વૃદ્ધાઓએ પોતાનાં પર્સ ઉઘાડ્યાં. કોઇએ પાંચ તો કોઇએ દસ રૂપિયા કાઢીને ભિખારીના શકોરામાં મૂક્યા.

પેલો તરત જ રવાના થઇ ગયો. પણ સગુણાબહેનની નજર એના હાથમાંથી સરકી ગયેલા એક કાગળ ઉપર પડી. પહેલાં તો એમને થયું કે દસની નોટ પડી ગઇ હશે, પણ ઉપાડીને જોયું તો ચિઠ્ઠી હતી. આંખો ખેંચી-ખેંચીને સાતેય જણીઓએ કાગળ વાંચ્યો.

અંદર લખ્યું હતું : ‘અફસોસ! તમે મને ઓળખી ન શક્યાં. મેં આ શહેરની શ્રેષ્ઠ સાત સુંદરીઓને મારી જાળમાં ફસાવી, ભોગવી અને પછી અલગ-અલગ બહાનાં બતાવીને છોડી દીધી. જ્યાં તમારા જેવી મૂર્ખ પ્રેમિકાઓ હોય ત્યાં મારા જેવા લંપટ પુરુષો ભૂખે નથી મરતા!

આ વાતનું ભાન કરાવવા માટે જ આટલા વરસે હું તમને મળવા માટે આવ્યો હતો. બાકી હું સુખી છું. તમારો આભાર, કારણ કે હું ભમરાના વેશમાં હોઉ કે ભિખારીના, મેં જે માગ્યું છે એ તમે આપ્યું જ છે!’

(શીર્ષક પંક્તિ : મરીઝ)

No comments: